શહેરમાં માથાભારે, લુખ્ખા તત્વો અને ગુનેગારો જ નહીં પરંતુ હવે મહિલાઓ પણ છરી રાખતી થઇ ગઇ છે. કોઠારિયા સોલવન્ટ પાસે રૂડાના ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા અબ્દુલ હુસેનભાઇ ઠેબા (ઉ.વ.૫૦) ઉપર તેના પાડોશમાં રહેતી ડીમ્પલ, તેના પતિ કમલેશ અને અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં અબ્દુલભાઈએ જણાવ્યું છે કે ગઇકાલે બપોરે પત્ની સાથે બેંકના કામે જતા હતા ત્યારે ઘર નજીકના સર્વિસ રોડ પર ડીમ્પલ અને તેનો પતિ કમલેશ એક્ટીવામાં ધસી આવ્યા હતા. આવીને તેની પત્નીને બેફામ ગાળો ભાંડી હતી. તેની પત્ની સમજાવવા જતાં ડીમ્પલ વધુ ઉશ્કેરાઇ હતી. એટલું જ નહીં તેની સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. તે સાથે જ તેના પતિએ તેને પકડી લીધા બાદ ડીમ્પલે તેના પેન્ટના નેફામાથી છરી કાઢી, ડાબા ખભ્ભાના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો.જેથી તે પડી જતાં અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો. જેણે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેની પત્ની વચ્ચે પડી હતી. સાથોસાથ મારા પતિને બચાવો…બચાવો તેવી બૂમો પણ પાડી હતી. જે સાંભળી તેનો મોટો પુત્ર અમિત દોડી આવ્યો હતો. જેણે વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. આસપાસના લોકો ભેગા થઇ જતાં ત્રણેય આરોપીઓ જતા રહ્યા હતાં.
૧૦૮માં તેને સિવિલ ખસેડાયો હતો. તેનો નાનો પુત્ર સમીર ડીમ્પલના પતિનો મિત્ર છે. બંને સાથે ફરે છે. તેના ઘરે પણ ડીમ્પલનો પતિ અવરજવર કરતો હતો. જે ડીમ્પલને ગમતું ન હોવાથી આ મુદ્દે અગાઉ તેના નાના પુત્ર સાથે બોલાચાલી પણ કરી હતી. આ બાબતનો ખાર રાખી તેની ઉપર હુમલો કર્યો હતો.
