GUJARAT : ‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી 360 કિમીની દ્વારકાની પદયાત્રાએ, પત્ની બની ‘શ્રવણ’

0
10
meetarticle

કહેવાય છે કે ભક્તિમાં જો સાચો વિશ્વાસ હોય તો ઈશ્વર પથ્થરમાંથી પણ માર્ગ કાઢી આપે છે. આવો જ કંઈક નઝારો હાલ જામનગર-દ્વારકા હાઈવે પર જોવા મળી રહ્યો છે. હોળી-ધૂળેટીના પર્વે દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં લાખો ભક્તો ઉમટતા હોય છે, પરંતુ આ ભીડમાં બોટાદનો એક કૃષ્ણભક્ત આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ યુવાન પોતાની માનતા પૂરી કરવા માટે આંખે પાટા બાંધીને બોટાદથી દ્વારકા સુધીની 360 કિલોમીટરની કપરી પદયાત્રા કરી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર,બોટાદનો વતની સંજય પડેલિયા અગાઉ ખૂબ જ કષ્ટમય જીવન જીવી રહ્યો હતો. આ કપરા સમયમાં તેણે દ્વારકાધીશના શરણોમાં બાધા માની હતી કે, જો તેની પરિસ્થિતિ સુધરશે, તો તે આંખે પાટા બાંધીને પગપાળા દ્વારકા દર્શન કરવા આવશે. આજે જ્યારે ભગવાનની કૃપાથી તેનું જીવન સુખમય બન્યું છે, ત્યારે તે પોતાની આ અનોખી માનતા પૂરી કરવા નીકળ્યો છે.

સંજયે અંદાજે છથી સાત દિવસ પહેલા બોટાદથી પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ સફરમાં સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે, આંખે પાટા હોવા છતાં સંજય ડગમગ્યા વગર ચાલી રહ્યો છે, કારણ કે તેની પત્ની તેની સાથે રહીને ડગલે ને ડગલે માર્ગ બતાવી રહી છે. રવિવારે (22મી ફેબ્રુઆરી) સવારે આ પદયાત્રી જામનગર જિલ્લામાં આવી પહોંચ્યો હતો. જામનગરથી હવે તેણે દેવભૂમિ દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે. આગામી 4 દિવસમાં તે દ્વારકાધીશના જગત મંદિર પહોંચી શીશ ઝુકાવશે.

સંજયની આ કઠિન ભક્તિ જોઈને માર્ગ પરથી પસાર થતા અન્ય પદયાત્રીઓ અને વાહનચાલકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. તેની સાથે અન્ય કેટલાક મિત્રો અને ભક્તો પણ ઉત્સાહભેર જોડાયા છે. દ્વારકાધીશના નાદ સાથે આ સંઘ અવિરતપણે દ્વારકા ભણી આગળ વધી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here