GUJARAT : વંથલીમાં પ્રેમ પ્રકરણના મનદુઃખમાં છરી-લોખંડના સળિયા ઝીંકી યુવાનની હત્યા

0
17
meetarticle

વંથલીમાં યુવાનને યુવતી સાથે પ્રેમ સબંધ હોવાથી બંનેના પરિવારો વચ્ચે પાંચ-છ માસથી માથાકુટ ચાલતી હતી. યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે યુવતીના પિતા, ભાઈ સહિત ચાર શખ્સોએ છરી, લોખંડના સળીયા, ધોકા વડે હુમલો કરી યુવાનની હત્યા કરી નાખી હતી. વચ્ચે પડેલા યુવકના મિત્રને પણ માર માર્યો હતો. આ અંગે મૃતક યુવકના પિતાએ ફરિયાદ કરતા વંથલી પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી પિતા-પુત્ર સહિત ત્રણને પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વધુ વિગત મુજબ વંથલીમાં વાલીઝાંપા વિસ્તારમાં રહેતા મુસાભાઈ અબદલભાઈ સોઢાના પુત્ર તાજીમ(ઉ.વ.૩૪)નો રફીકશા કાસમશા સર્વદીની પુત્રી ઈકરાના સાથે પ્રેમ સબંધ હતો. આ બાબતે બંનેના પરિવાર વચ્ચે પાંચ-છ માસથી માથાકુટ ચાલતી હતી. અગાઉ રફીકશાએ તાજીમને મારી નાખવાની ધમકી આપી હતી આથી ડરી ગયેલા તાજીમે ફિનાઈલ પી લીધુ હતું. તે વખતે તાજીમે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. આ માથાકુટના કારણે મુસાભાઈએ પોતાની જૂનાગઢ રહેતી પુત્રી પાસે તાજીમને રહેવા મોકલી દીધો હતો. છેલ્લા ત્રણેક માસથી તાજીમ ફરી વંથલી પિતા સાથે રહેવા આવી ગયો હતો. ગત રાત્રીના તાજીમ તથા તેના મિત્ર શકીલ સહિતનાઓ ભલાયશા પીરની દરગાહમાં બેઠા હતા ત્યારે રફીકશા કાસમશા સર્વદી, તેનો પુત્ર અરબાજશા રફીકશા સર્વદી, ભત્રીજો અકરમશા હનીફશા સર્વદી અને ઈરફાનશા અમીનશા બાનવાએ લોખંડના સળીયા, છરી, ધોકા સાથે આવી તાજીમ પર હુમલો કર્યો હતો. આડેધડ માર મારતા તાજીમ લોહીલુહાણ હાલતમાં ત્યાં પડી ગયો હતો. તેના મિત્ર શકીલે વચ્ચે પડી બચાવવા પ્રયાસ કરતા તેને પણ સળીયા વડે માર માર્યો હતો.

મિત્ર ઈમરાન જેઠવાએ તાજીમના પિતા મુસાભાઈ સોઢાને ફોન કરી વાત કરતા મુસાભાઈ તથા તેનો નાનો પુત્ર રહીશ દરગાહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ચારેય શખ્સો હથિયારો સાથે ભાગતા જોવા મળ્યા હતા અને તાજીમ ત્યાં પડયો હતો. ઈજાગ્રસ્ત તાજીમને ૧૦૮માં સારવાર માટે વંથલી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તાજીમને તપાસી મૃત જાહેર કર્યો હતો. શકીલને ડાબા હાથમાં ઈજા હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગે મૃતકના પિતા મુસાભાઈ સોઢાએ રફીકશા કાસમશા સર્વદી, અકરમ હનીફશા સર્વદી, અરબાજશા રફીકશા સર્વદી અને ઈરફાનશા અમીનશા બાનવા સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે હત્યા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી રફીકશા કાસમશા સર્વદી, અકરમશા હનીફશા સર્વદી અને અરબાજશા રફીકશા સર્વદીને પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઈરફાનશાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here