ભરૂચ જિલ્લાના દેરોલ-વિલાયત માર્ગની ગોકળગતિએ ચાલી રહેલા નવનિર્માણ કાર્યને લઈને સ્થાનિકોમાં ફેલાયેલા જન આક્રોશના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જાહેર વિરોધને પગલે સ્થાનિક વહીવટી પ્રશાસન હરકતમાં આવ્યું છે. અને રોડનું કામ ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે. આ માર્ગની કામગીરી શરૂ થતા સ્થાનિકોને મોટી રાહત મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોડના નવનિર્માણમાં વિલંબ અને ગુણવત્તાના પ્રશ્નોને લઈને સ્થાનિક આગેવાન પટેલ ઇમ્તિયાઝ દ્વારા જન આક્રોશ કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને પગલે વહીવટી વિભાગે તાત્કાલિક અસરથી ધીમી ગતિએ ચાલી રહેલા રોડના કાર્યને ઝડપી બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે. પટેલ ઇમ્તિયાઝે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે, રોડનું કામ શરૂ થઈ ગયું હોવાથી હાલ પૂરતો જન આક્રોશ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં જરૂર જણાશે તો સ્થાનિકો ફરીવાર રોડ ઉપર ઉતરીને પોતાના હક્કો મેળવવા માટે કટિબદ્ધતા જાળવી રાખશે.

આગેવાન પટેલ ઇમ્તિયાઝે રોડના નવનિર્માણ કાર્યમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે અને કાર્ય ગુણવત્તા સભર થાય તે માટે વહીવટી વિભાગને ટકોર કરી છે. તેમણે માંગ કરી છે કે પ્રશાસન આ માર્ગનું કામ સમયસર અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે પૂર્ણ કરે. આ સફળ જનઆંદોલનમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સહયોગ બદલ પટેલ ઇમ્તિયાઝે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રશાસન દ્વારા રોડની કામગીરીમાં આવેલી ઝડપથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને આશા રાખી છે કે હવે ટૂંક સમયમાં આ માર્ગનું કાર્ય પૂર્ણ થતાં તેઓને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળશે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

