નવા વર્ષની પૂર્વસંધ્યાએ વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે બલીઠા ચાર રસ્તા પાસે દરોડો પાડી પોલીસે દમણથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

વાપી ટાઉન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણ તરફથી એક સફેદ કલરની અર્ટિગા કાર દારૂ ભરીને આવી રહી છે. બાતમીના આધારે પોલીસે બલીઠા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ અર્ટિગા કાર (નંબર: GJ-11-VV-5946) આવતા તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારની અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ ૧૫૪૭ નંગ જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આ કાર્યવાહીમાં વિદેશી દારૂ અને બીયર (કિંમત ₹૨,૬૦,૭૧૪/-), અર્ટિગા કાર (કિંમત ₹૩,૦૦,૦૦૦/-), મોબાઈલ ફોન (કિંમત ₹૫,૦૦૦/-) મળી કુલ રૂ. ૫,૬૫,૭૧૪/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સ્થળ પરથી કાર ચાલક અંકિત કુમાર સત્યેન્દ્ર કુમાર (ઉ.વ. ૨૧, રહે. દમણ, મૂળ બિહાર) ને ઝડપી પાડ્યો છે. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર રાહુલ નામનો શખ્સ હોવાનું ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે. વાપી ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

