વિરમગામ શહેરમાં તબીબી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક શખ્સને અર્બન હેલ્થ સેન્ટર અને ટાઉન પોલીસે ઝડપી પાડયો છે. ભરવાડી દરવાજા બહાર ભાડાની દુકાનમાં ‘શિવ શક્તિ ક્લિનિક’ ચલાવતા પિન્ટુ રામજીભાઈ ઠાકોર (રહે. ડાંગરવા, તા. દેત્રોજ) સામે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન સહિતનો જથ્થો મળી આવ્યો હતો. સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આરોપી પાસેથી કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી મળી આવી નહોતી. પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, બોટલો અને અન્ય મેડિકલ સાધન-સામગ્રી મળી કુલ રૃ. ૨૦,૩૩૧ નો મુદ્દામાલ કબજે કર્યોે છે. વિરમગામ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, વિરમગામ, માંડલ અને દેત્રોજ પંથકમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવા લેભાગુ તત્વો ગેરકાયદે પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી આવા બોગસ ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

