વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે આગામી દિવસોમાં સ્પેશિયલ ટ્રેન ચલાવવા પશ્ચિમ રેલવેએ નિર્ણય કર્યો છે. જેને લઈ મુસાફરોને વધુ એક ટ્રેન સુવિધાનો લાભ મળી શકશે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી વેરાવળ-બાંદ્રા-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. આ વિશેષ ટ્રેન વેરાવળથી તા.૨૬-૧થી તા.૨૩-૨ સુધી દર સોમવારે સવારે ૧૧-૦૬ કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે વહેલી સવારે ૪-૫૫ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે બાંદ્રા ટર્મિનસથી તા.૨૫-૧થી તા.૨૨-૨ સુધી દર રવિવારે બપોરે ૨-૪૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૮-૦૫ કલાકે વેરાવળ પહોંચશે. સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ સાથેથી આ ટ્રેન બન્ને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર (જં), અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. મુસાફરો આવતીકાલ તા.૨૨-૧ને ગુરૂવારથી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ કરાવી શકશે તેમ ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.

