ભરૂચના હાંસોટ-પંડવાઈ માર્ગ પર ગતરોજ એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકની ટક્કરે બાઈક પર જઈ રહેલા પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
વાલનેર ગામના રહેવાસી રાજેશ વસાવા (ઉંમર 36) પોતાના 11 વર્ષીય પુત્ર સાહિલ સાથે બાઈક પર હાંસોટ જઈ રહ્યા હતા. આસ્તા ગામ નજીક પાછળથી આવી રહેલા ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા.

અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો છે. હાંસોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

