ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે અંકલેશ્વરમાં જૂના નેશનલ હાઈવે નંબર-૮ પર આવેલી એક સોસાયટીમાં પરમિટ ધારક હોવાનો ફાયદો ઉઠાવી વિદેશી દારૂનો ગેરકાયદે સંગ્રહ અને વેચાણ કરતા એક નિવૃત્ત આર્મીમેનના ઘરે દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

LCB ની ટીમ અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે અક્ષર આઈકોનના F-બ્લોકમાં રૂમ નંબર ૨૦૩ માં રહેતો જયક્રિષ્ના શ્યામદાસ તિવારી નામનો નિવૃત્ત આર્મીમેન પોતાના ઘરે દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ શખ્સ આર્મી પરમિટ પર મળતા દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો પોતાના મકાનમાં સંતાડી રાખી ગેરકાયદે રીતે અન્ય લોકોને વેચતો હતો.
બાતમીના આધારે પોલીસે અક્ષર આઈકોનના ફ્લેટમાં દરોડો પાડતા ઘરની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૮૪ નંગ બોટલો મળી આવી હતી. આ જથ્થાની કુલ કિંમત અંદાજે ₹૩,૫૯,૮૯૦/- થાય છે. પોલીસે તમામ પ્રતિબંધિત જથ્થો કબજે લીધો છે.
દરોડા દરમિયાન આરોપી જયકિષ્ના તિવારી મળી આવ્યો ન હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

