અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાગદીવાડ વિસ્તારમાં ચાલતા ગૌ-વંશના કટીંગના અડ્ડા પર દરોડો પાડી બે શખ્સો અને એક કિશોરને ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ૧૩૦ કિલો શંકાસ્પદ માંસ, વાહનો અને હથિયારો મળી કુલ ₹૧,૧૩,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એફ.એસ.એલ. પરીક્ષણમાં આ માંસ ગૌ-વંશનું હોવાનું સાબિત થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, કાગદીવાડમાં દુધીયાપીર દરગાહ સામે આશિફ ઇકબાલ ઉર્ફે મિન્નુ મલેકના મકાનમાં ગૌ-વંશનું કટીંગ થતું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. પોલીસને જોતા જ મકાન માલિક આશિફ મલેક નાસી છૂટ્યો હતો, જ્યારે ઘરમાં કટીંગ કરી રહેલા અબ્દુલ રઝાક કુરેશી, સાહીદ કુરેશી અને એક ૧૫ વર્ષીય કિશોરને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી ૧૩૦ કિલો ગૌમાંસ, રિક્ષા, મોપેડ, ઇલેક્ટ્રિક કાંટો અને કટીંગ માટે વપરાતા છરા-કુહાડી જેવા હથિયારો કબજે કરવામાં આવ્યા છે. પોલીસે પકડાયેલા શખ્સો વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, પ્રાણી ક્રૂરતા નિવારણ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

