અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક મંડપના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોડાઉનમાં મંડપ માટે રાખવામાં આવેલા લાકડાના વાંસ અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે.

આગની જાણ થતા જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસી (DPMC) ના કુલ ત્રણ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી કાબૂમાં લીધી હતી. ગોડાઉનમાં રાખેલ મંડપનો કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઔદ્યોગિક વસાહતની નજીક જ આગ લાગવાની આ ઘટનાથી આસપાસના એકમોમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ હતી.

