આદિવાસી સમાજના વિકાસની મોટી મોટી વાતો વચ્ચે એક લાચાર અને ગરીબ શ્રમજીવી પરિવારની કરૂણ પરિસ્થિતિ સામે આવી છે. ભરૂચના અંકલેશ્વરની એક 22 વર્ષીય યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ, પરિવાર પાસે અંતિમ સંસ્કાર કે મૃતદેહ વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી તેઓ મૃતદેહને વોર્ડમાં જ તરછોડીને જતા રહ્યા હતા. જોકે, આ સમયે સિવિલ પોલીસ ચોકીના જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે રહેતી 22 વર્ષીય કાજલ મહેશ વસાવા એક મહિના પહેલાં અકસ્માતનો ભોગ બની હતી અને વધુ સારવાર માટે 18મી નવેમ્બરે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 26મી નવેમ્બરે કાજલનું અવસાન થયું. મૃત્યુ બાદ પરિવારના સભ્યો તેને વોર્ડમાં જ તરછોડીને જતા રહેતા હોસ્પિટલના ડોક્ટરોએ સિવિલ ચોકીના પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર પોલીસને જાણ થતાં તેઓએ શ્રમિક પરિવારને શોધી કાઢી સિવિલ આવવા માટે ભાડું પણ આપ્યું હતું.

જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા, ત્યારે પોલીસે તેમને મૃતદેહ તરછોડીને જવાનું કારણ પૂછ્યું. ત્યારે પરિવારના સભ્યોએ હૃદય કંપાવી દેતી વાત કરી કે, ‘અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવા કે મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા નથી.’ સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષમણ વસાવા આ સાંભળીને ગદગદીત થઈ ગયા. તેમણે આ શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું અને આદિવાસી સમાજના પોલીસના વૉટ્સએપ ગ્રુપમાં મેસેજ પહોંચાડ્યો.
મેસેજ વાંચીને પોલીસ જવાનોનું હૃદય પીગળી ગયું અને તેઓએ તુરંત ફાળો એકઠો કર્યો. કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે 35,000 રૂપિયાથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. આ રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા અને તેમના મિત્રો તેમજ ગોડદારા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકોએ સ્વૈચ્છિક સેવા આપીને યુવતીનો મૃતદેહ અંકલેશ્વર પહોંચાડ્યો હતો. એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ તો ભાડું લીધા વગર જ મૃતદેહ ઘરે પહોંચાડ્યો હતો.
પોલીસની આ સેવા જોઈને યુવતીના પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે ગદગદિત થઈને કહ્યું, ‘મેં આશા છોડી દીધી હતી, પરંતુ આ દૂતોએ મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી છે.’

