સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરો વચ્ચે યોજાતા પ્રતિષ્ઠિત “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫” માં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ અંકલેશ્વર નગરપાલિકાને રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાને રાજ્યના ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાએ ઘન કચરા વ્યવસ્થાપન, અસરકારક ડોર-ટુ-ડોર કલેક્શન અને પ્લાસ્ટિક મુક્ત શહેર માટે હાથ ધરેલી ઝુંબેશની રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી છે. ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાએ આ સિદ્ધિ બદલ શહેરના જાગૃત નાગરિકો અને સફાઈ કર્મીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, જનભાગીદારી અને પાલિકાની પ્રતિબદ્ધતાને કારણે જ અંકલેશ્વર આજે સ્વચ્છતાના નકશા પર ગૌરવવંતુ સ્થાન પામ્યું છે.
