અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ પાસે આવેલા આદિત્ય નગરમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ખુલ્લા મેદાનમાં પડેલા મૃતદેહને જોઈ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના આધારે જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની વિગત મુજબ, વહેલી સવારે મેદાન પાસેથી પસાર થતા રાહદારીઓની નજર જમીન પર પડેલા નિશ્ચલ યુવક પર પડી હતી. યુવક મૃત હાલતમાં હોવાનું જણાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે અને યુવકનું મોત કુદરતી છે કે અન્ય કોઈ કારણોસર, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

