અંકલેશ્વર શહેરના સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ધોરણ ૭માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી ખેલાડી રેયાંશ રાજેશ મકવાણાએ ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. રેયાંશે તાજેતરમાં ભરૂચ ખાતે આયોજિત સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંડર-૧૪ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. રાજ્યભરના ૧૬ સ્પર્ધકો વચ્ચેની આ સ્પર્ધામાં રેયાંશે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

સોફ્ટ ટેનિસ પ્રત્યેની રુચિને કારણે પિતા રાજેશભાઈએ રેયાંશને જીમખાના ખાતે કોચ વાજીદ પઠાણ પાસે કોચિંગ માટે મૂક્યો હતો. રેયાંશ અગાઉ સ્કૂલ, તાલુકા, જિલ્લા કક્ષા અને ખેલ મહાકુંભ જેવી ટુર્નામેન્ટમાં પણ ટોચ પર રહ્યો છે.બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હવે રેયાંશ આગામી ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર-૧૪ સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાત અને ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રીય સ્તરે પણ ગોલ્ડ મેડલ હાંસલ કરવાનો તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
