અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ડેક ઇન્ડિયા કંપનીમાંથી ₹૬.૫૧ લાખના મશીનરીના સામાનની ચોરીના મામલે જી.આઈ.ડી.સી. પોલીસે મુખ્ય આરોપી સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

ગત ૧૧મી સપ્ટેમ્બરના રોજ ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીના મટીરિયલ્સ યુનિટમાં ચોરીનો બનાવ બન્યો હતો. રાત્રી ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય ત્રણ ઇસમો સાથે મળીને પ્રોડક્શન એરિયાનું શટર લોક ખોલી ₹૬.૫૧ લાખનો મશીનરીનો સામાન ચોરી કરી હતી.
પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને અગાઉ સિક્યુરિટી ગાર્ડ માર્કન્ડેય મોર્યાની ધરપકડ કરી હતી. ત્યારબાદ, વધુ તપાસના આધારે પોલીસે ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલા અન્ય ત્રણ આરોપીઓમાં સુરતના ભેસ્તાન વિસ્તારના ગજાનન ઉર્ફે ગજા શાલિગ્રામ મુલાંડે, શ્રીકૃષ્ણ સુનીલ મુલાંડે અને અશોક દામુ દેવકરનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
