અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલી જયાબેન મોદી હોસ્પિટલ સામે એક દર્દીના પરિવારે ધરણાં શરૂ કર્યા છે. દર્દી ગાયત્રીદેવીને કમરના દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, હોસ્પિટલમાંથી રજા આપતી વખતે ૪ લાખ રૂપિયાનું બિલ આપવામાં આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

ગાયત્રીદેવીના પુત્ર અભયે જણાવ્યું કે, હોસ્પિટલના સત્તાધીશોએ અગાઉ ખાતરી આપી હતી કે તેમનું ઓપરેશન ૨ લાખ રૂપિયાના વીમા કવચમાં થઈ જશે. પરંતુ, હવે હોસ્પિટલ બિલ ભર્યા વગર રજા આપવાનો ઇનકાર કરી રહી છે અને પોલીસ ફરિયાદની ધમકી પણ આપી રહી છે.
આના વિરોધમાં પરિવારે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં શરૂ કર્યા છે.
બીજી તરફ, હોસ્પિટલના કમિટી સભ્ય ડોક્ટર નિનાદ ઝાલાએ સ્પષ્ટતા કરી છે કે, હોસ્પિટલે ૨ લાખનું કોઈ કમિટમેન્ટ આપ્યું નહોતું. તેમણે જણાવ્યું કે, ૨ લાખનો વીમો હતો, જેની રકમ કપાઈ ગઈ છે અને બાકીની રકમ માટે પરિવાર સાથે વાતચીત ચાલી રહી છે.

