શહેરમાં દશામાંના નામે મેલીવિદ્યાના બહાને એક શાકભાજીના વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરનાર ઠગ મહિલાની ‘એ’ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પેટનો દુખાવો મટાડવાની લાલચ આપી શ્રદ્ધાળુ પરિવાર પાસેથી સોનાના દાગીના, રોકડ અને ફર્નિચર મળી કુલ ₹4.44 લાખની મત્તા પડાવી લેવામાં આવી હતી.

અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રોહન વસાવા નામના વેપારીને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો. આ પીડા દૂર કરવા તે નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબહેન વસાવાના ઘરે ગયો હતો. પુષ્પાબહેને પોતે દશામાંનો અવતાર હોવાનો ઢોંગ રચી પરિવારને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવ્યો હતો. મેલીવિદ્યા દૂર કરવાના નામે મહિલાએ વેપારીની બે સોનાની ચેઈન અને પાંચ વીંટીઓ કઢાવી લીધી હતી. આટલું જ નહીં, આરોપી મહિલાએ ₹20,000 રોકડા અને બજાજ ફાઈનાન્સ કાર્ડ પર ₹15,000નો બેડ પણ પડાવી લીધો હતો.
જ્યારે વેપારીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો અને પોતાના દાગીના પરત માંગ્યા, ત્યારે ઠગ મહિલાએ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આખરે ભોગ બનનાર યુવકે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

