અંકલેશ્વર જીઆઇડીસી અને નોટિફાઇડ રહેણાંક વિસ્તારને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ પરના એક્વાડક અને સાયફનના નવીનીકરણ માટે 35 દિવસનું શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગત 27 ડિસેમ્બરથી અમલી બનેલા આ પાણીકાપને પગલે આગામી દિવસોમાં જળ કટોકટી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કેનાલ બંધ રહેવાના ગાળા દરમિયાન અંકલેશ્વરની દૈનિક 35 MLD પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્ટોરેજ પોન્ડ અને ઝઘડિયા વિભાગના પુરવઠાનો આશરો લેવામાં આવી રહ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ, નોટિફાઇડ વિસ્તારમાં રહેવાસીઓને સવારે 6 થી 9 વાગ્યા સુધી અને ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે, હાલ સ્ટોરેજ પોન્ડમાં પૂરતો જથ્થો હોવાથી અછત સર્જાય તેવી શક્યતા ઓછી છે, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે લોકોને પાણીનો બગાડ અટકાવી અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. કેનાલના જર્જરિત માળખાના સમારકામ બાદ જ પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.

