અંકલેશ્વરના અંદાડા ગામ સ્થિત એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ એરકુલરમાં સંતાડેલા લાખોના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ ઘરના લોક તોડી આખા મકાનને ફંફોળ્યું હતું અને અંતે કુલરના સ્ક્રુ ખોલીને અંદર છુપાવેલી મત્તા લઈ રફુચક્કર થઈ ગયા હતા.

અંદાડા ગામના ‘આધ્યા હોમ’માં રહેતા સુભાષચંદ્ર ગોહિલ ગત ૩૧ ડિસેમ્બરના રોજ પરિવાર સાથે ભરૂચ ગયા હતા અને ત્યાંથી પોતાની નાઈટશિફ્ટની નોકરી પર દહેજ ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ ઉપર અને નીચેના બંને માળે સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
ચોરીની પદ્ધતિ જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી, કારણ કે તસ્કરોએ નીચેના રૂમમાં રાખેલા એરકુલરના સ્ક્રુ ખોલીને તેની અંદર સંતાડેલી લાલ રંગની બેગ શોધી કાઢી હતી. આ બેગમાં ૧૫ ગ્રામ સોનું અને ૧૦ ગ્રામ ચાંદીના કુલ ૧૨ નંગ દાગીના હતા, જેની કિંમત આશરે ૧.૯૫ લાખ રૂપિયા થાય છે. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

