GUJARAT : અંકલેશ્વરમાં ‘મમરા’ ના કોથળા નીચે છુપાવેલો ₹35 લાખનો દારૂ ઝડપાયો: માંડવા ટોલ પ્લાઝા પાસે પોલીસનો સપાટો, કુલ ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત

0
6
meetarticle

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે 48 પર દારૂની હેરાફેરીની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને સચોટ બાતમી મળી હતી કે માંડવા ટોલ પ્લાઝા નજીક ઊભેલી એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડીમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ ભરેલી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરતા, ગાડીમાં ઉપરના ભાગે મમરાની થેલીઓ ભરી નીચે ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની 1008 બોટલો મળી આવી હતી. બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે મમરાની આડમાં આ કાળો કારોબાર ગોઠવ્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.


​પોલીસે ઘટનાસ્થળેથી ₹35.10 લાખની કિંમતનો દારૂ અને ₹5 લાખની પીકઅપ ગાડી મળી કુલ ₹40.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસની રેઇડ દરમિયાન આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ગાડીના ચાલક સહિત દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ત્રણેય ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. હાઈવે પર બાજ નજર રાખતી પોલીસે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here