આધુનિક યુગમાં પણ અંકલેશ્વરના સુથાર ફળિયામાં રહેતા પ્રજાપતિ પરિવારે માટીના વાસણો અને ગરબી બનાવવાની પરંપરાને જીવંત રાખી છે. નવરાત્રીના આગમન સાથે જ આ પરિવાર માટીના માટલામાંથી ગરબી બનાવવાની તૈયારીમાં લાગી જાય છે.

આશિષ પ્રજાપતિ અને તેમનો પરિવાર નાની માટલીથી મોટા માટલા સુધીમાં ઝીણવટભરી રીતે નાના છિદ્રો પાડે છે. ત્યારબાદ આ ગરબીને આકર્ષક રંગો અને ડિઝાઇનથી સુશોભિત કરવામાં આવે છે. આ ગરબીઓનો ઉપયોગ નવરાત્રી દરમિયાન ભક્તો દ્વારા ઘરમાં અખંડ દીવો પ્રગટાવી માતાજીની આરાધના માટે થાય છે.
આશિષ પ્રજાપતિએ જણાવ્યું કે શેરી ગરબા બંધ થતા ગરબીના વેચાણ પર અસર પડી છે. તેમ છતાં, તેઓ આ પ્રાચીન કલા અને પરંપરાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યથી તેઓ માત્ર પોતાની આજીવિકા જ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક વારસાને પણ આગળ ધપાવી રહ્યા છે.
