અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ગોકુળ નગર સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. રહીશોનો આક્ષેપ છે કે વીજ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકોની કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી કે સંમતિ લીધા વિના જ સ્માર્ટ મીટર લગાવી દીધા છે, એટલું જ નહીં પરંતુ બંધ મકાનોમાં પણ રહીશોની ગેરહાજરીમાં મીટર બદલી નાખવામાં આવ્યા છે. આ ગંભીર મુદ્દે સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ અંકલેશ્વર સ્થિત DGVCL ની કચેરીએ પહોંચી ડેપ્યુટી એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરી હતી.
તેમણે માંગ કરી હતી કે ગ્રાહકોની સંમતિ બાદ જ મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. આ બાબતે DGVCL ના ડેપ્યુટી એન્જીનીયર કૌશિકભાઈએ જણાવ્યું હતું કે કામગીરી એક્ટ મુજબ જ કરવામાં આવી છે, તેમ છતાં રહીશોની લેખિત રજૂઆતને વડી કચેરીએ મોકલી યોગ્ય સંકલન સાધીને જવાબ આપવામાં આવશે.

