અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે “ઓપરેશન મ્યુલ હન્ટ” અંતર્ગત સાયબર ગુનાખોરી ડામવા માટે સોશિયલ મીડિયા પર લોનની લાલચ આપી છેતરપિંડી આચરતા નિમેષ કલ્પેશભાઇ વાળંદ (ઉ.વ. ૨૬, રહે. ગડખોલ પાટીયા, અંકલેશ્વર) ની ધરપકડ કરી છે.

આ મામલે તપાસ ત્યારે શરૂ થઈ જ્યારે બે સ્થાનિક નાગરિકોના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ નાણાં જમા થતા પોલીસની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે આરોપી નિમેષ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ જોઈને ઠગાઈ કરવા માટે પ્રેરાયો હતો અને ખોટી ઓળખ સાથે લોનની જાહેરાતો મૂકી ૧૫ થી ૧૭ જેટલા જરૂરિયાતમંદ નાગરિકો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે ₹૫૦૦ થી લઈ ₹૫૫,૦૦૦/- સુધીની રકમ પડાવતો હતો. આરોપીના બેંક એકાઉન્ટની વિગતો તપાસતા સાયબર ક્રાઇમ પોર્ટલ પર તેની સામે ૫ જેટલી ફરિયાદો મળી આવી છે અને અત્યાર સુધીમાં તેણે કુલ ₹૧,૦૯,૫૦૦/-ની ઠગાઈ આચરી હોવાનું કબૂલ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના ગુનાહિત નેટવર્કની વધુ તપાસ શરૂ કરી છે.
