અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે બાતમીના આધારે પીરામણ નાકા વિસ્તારમાં વોચ ગોઠવીને છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા પ્રોહિબિશનના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી પીરામણ નાકા પાસે આવનાર છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી મહેન્દ્રભાઈ ઉર્ફે મુકેશ કેશરીમલ માળી (રહે. કંબોડીયા, તા. નેત્રંગ) ને દબોચી લીધો હતો. પોલીસ મથકે લાવીને કરવામાં આવેલી સઘન પૂછપરછમાં આરોપીએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ BNSS ની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે ડેડીયાપાડા પોલીસને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
