અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

બે ફાયર ફાઇટરોએ ઝડપભેર કામગીરી હાથ ધરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. જોકે, સ્ક્રેપના જથ્થાને કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
સ્થાનિક લોકોના મતે, સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. વેસ્ટ સળગવાથી થતું પ્રદૂષણ અને સુરક્ષા વ્યવસ્થાઓની જાળવણી પર આ ઘટનાઓએ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

