અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે વહેચાતા શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ડીઝલ અને વાહન મળી કુલ ₹૪.૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કાપોદ્રા પાસેની સાઈ દર્શન સોસાયટી નજીક એક પિકઅપ ગાડીમાંથી કારબા વડે આઈસર ટેમ્પોમાં ડીઝલ પધરાવવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી ૮૫ લીટર શંકાસ્પદ ડીઝલ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે કાપોદ્રાના મંદિર ફળિયામાં રહેતા વિજય ગણેશ વસાવાને ઝડપી પાડી પૂછપરછ કરી હતી, પરંતુ તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે ₹૭,૦૦૦નું ડીઝલ અને ₹૪ લાખની ગાડી મળી કુલ ₹૪,૧૩,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
