GUJARAT : અંકલેશ્વર પોલીસે રસ્તો ભટકેલા સાડા ચાર વર્ષના માનસિક અસ્વસ્થ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

0
52
meetarticle

પેટ્રોલિંગમાં રહેલી 112ની ટીમે માસૂમ બાળકને હેમખેમ પિતાને સોંપ્યો; પુત્રને સહીસલામત જોઈ માતા-પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ
​અંકલેશ્વર,

અંકલેશ્વર શહેરમાં ફરજ બજાવતી પોલીસ ટીમે એક માસૂમ બાળકને તેના પરિવાર સાથે મેળવી આપીને ફરી એકવાર ‘ખાખી’ની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રસ્તો ભટકેલા અને પોતાની ઓળખ આપવામાં અસમર્થ એવા સાડા ચાર વર્ષના માનસિક અસ્વસ્થ બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના માતા-પિતા પાસે પહોંચાડ્યો હતો.
​ ​અંકલેશ્વરના લક્ષ્મણ નગર, સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈનો સાડા ચાર વર્ષનો પુત્ર અચાનક ઘરથી નીકળી ગયો હતો. બાળક માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તે રસ્તો ભટકી ગયો હતો અને ગભરાયેલી હાલતમાં હતો. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી 112ની ટીમના હેડ કોન્સ્ટેબલ જગદિશસિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈની નજર આ અજાણ્યા બાળક પર પડી હતી.


​ ​બાળકની સ્થિતિ જોઈને જવાનોએ તેને તાત્કાલિક સુરક્ષિત આશ્રય આપ્યો હતો. બાળક કશું બોલી શકે તેમ ન હોવાથી પોલીસે સમય સૂચકતા વાપરી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. સાથોસાથ સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને બાળકના ફોટા વાયરલ કર્યા હતા. પોલીસની આ સક્રિયતાના પરિણામે ટૂંક સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અંકિતાબેનનો સંપર્ક થઈ શક્યો હતો.પોતાના વ્હાલસોયા પુત્રને પોલીસ રક્ષણમાં હેમખેમ જોઈને માતા-પિતા અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે પોલીસ જવાનોની ત્વરિત કામગીરી અને સંવેદનશીલતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here