અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં ગંભીર ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ સાથે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોને મતાધિકારથી વંચિત રાખવા માટે વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે કેટલાક બી.એલ.ઓ.-2(BLO) દ્વારા નિયમોને નેવે મૂકીને ખોટી રીતે મતદારોના નામ યાદીમાંથી કમી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે લોકશાહીના પાયા પર સીધો પ્રહાર છે.

આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસે એક બી.એલ.ઓ. 2 ની કથિત ઓડિયો ક્લિપનો હવાલો આપતા જણાવ્યું કે, પ્રાંત કચેરીમાં જમા કરાયેલા ફોર્મ નં. 7 પર સંબંધિત અધિકારીની સહી જ નથી. નકલી સહીઓ કરીને ફોર્મ જમા કરાવવાના આ ગંભીર આક્ષેપે વહીવટી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. કોંગ્રેસે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. સાથે જ એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જમા થયેલા ફોર્મની યાદી સોંપવામાં નહીં આવે, તો આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.
