અંકલેશ્વર-માંડવા હાઈવે પર ગતરોજ વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. વિકાસ અને આરામ હોટલની વચ્ચે અચાનક રસ્તા પર આવી ગયેલા આખલાને બચાવવા જતાં ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક પીકઅપ ગાડી ઝડપથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક એક આખલો વચ્ચે આવતા ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે, સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પીકઅપ ગાડી સામેથી આવી રહેલા આઈસર ટેમ્પો અને એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ અને ટેમ્પો પલટી મારી ગયા હતા, જ્યારે ટ્રક રોડ સાઇડના ડિવાઇડર સાથે અથડાઈને ઊભી રહી હતી.
આ અકસ્માતમાં પીકઅપ અને ટેમ્પોના ચાલકો સહિત કુલ ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હટાવવા માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાએ હાઈવે પર રખડતા પશુઓને કારણે થતા અકસ્માતોની ગંભીરતા ફરી એકવાર ઉજાગર કરી છે.

