અંકલેશ્વર GIDC સ્થિત સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં સોસાયટીના સેક્રેટરી, તેમના પુત્ર અને એક માણસ સામે દાદાગીરી અને જાળવણી ન કરવા બદલ રહીશોએ સામૂહિક સહી ઝુંબેશ સાથે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સિટી સેન્ટરના રહીશોએ જણાવ્યું હતું કે, ૭ થી ૮ વર્ષ પહેલાં જ્યારે તેમણે દુકાન/મકાન ખરીદ્યા, ત્યારે તેમની પાસેથી આજીવન મેન્ટેનન્સ પેટે ₹૨૫,૦૦૦/- લેવામાં આવ્યા હતા. જોકે, આજીવન મેન્ટેનન્સના પૈસા લીધા હોવા છતાં, આજદિન સુધી કોઈ જાળવણીનું કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાઈ છે.
રહીશોએ બિલ્ડર, પ્રમુખ અને સેક્રેટરીને વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ તેમને ગોળ ગોળ ફેરવવામાં આવતા હતા.
ગત ૧૧ નવેમ્બરના રોજ સોસાયટીના સભ્ય સંજય બાબુ પટેલે રજૂઆત કરવા જતાં સેક્રેટરી વરજાંગ બારૈયા દ્વારા લાકડી લઈને માર મારવાની ધમકી આપી દાદાગીરી કરવામાં આવી હતી, જે અંગે સંજયભાઈએ પોલીસ ફરિયાદ પણ કરી હતી.
ત્યારબાદ ગત ૨૨મીના રોજ સેક્રેટરી વરજાંગ બારૈયા, તેમના પુત્ર ધૃતવિક અને તેમના માણસ વિપુલ દ્વારા સંજયભાઈ પર પુનઃ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાઓથી ત્રસ્ત થઈને સિટી સેન્ટરના તમામ રહીશોએ સામૂહિક સહી સાથે GIDC પોલીસ મથકે પહોંચીને સેક્રેટરી વરજાંગ બારૈયા અને તેના સાગરીતો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

