ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ અંકલેશ્વર GIDCમાં આવેલી સોના આઈસ ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીની ઓફિસ પર દરોડો પાડી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ત્રણ વાહનો અને દસ મોબાઈલ ફોન સહિત કુલ ₹૩૦.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ સરકાર અને સેબીની જાણ બહાર ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન ‘મની કંટ્રોલ’નો ઉપયોગ કરીને ₹૯૦ લાખના શેરની રકમના ગેરકાયદેસર સોદા (ટ્રાન્ઝેક્શન) કરતા હતા. આ પ્રવૃત્તિ દ્વારા તેઓ ટેક્સથી બચીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા હતા.

અલ્તાફ હુસેન ઘોઘારી નામના વ્યક્તિ આર્થિક લાભ માટે આ જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓ ડબ્બા ટ્રેડિંગ સાથે પાના-પત્તાનો જુગાર પણ રમતા હોવાનું સામે આવ્યું છે.

