નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર નજીક રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી એક હાઇવા ટ્રકે આઇસર ટેમ્પોને એટલી જોરદાર ટક્કર મારી હતી કે ટેમ્પોની લોખંડી કેબિનનો કાગળની જેમ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક ટક્કરને પગલે ટેમ્પો ચાલક કેબિનના કાટમાળમાં જ ફસાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક મૂકીને અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે અંકલેશ્વર ડીપીએમસી (DPMC) ની રેસ્ક્યુ ટીમની મદદ મેળવી કટર મશીન દ્વારા ટેમ્પોની કેબિન કાપી ભારે જહેમત બાદ ચાલકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
