અકવાડામાં યુવતી સાથે ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોવાનો ઠપકો આપવા ગયેલા મામા ભાણિયા પર ચાર શખ્સે છરી વડે પ્રાણઘાતક હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.મામા ભાણિયાને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં મામાનું મોત નિપજ્યું હતું.

ઘોઘા રોડ મોટા શીતળા માતાના મંદિર પાસે આવેલ ખોડીયાર નગર એક ખાતે રહેતા દિલીપભાઈ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદાર નીતેશભાઈના કાકાની દીકરી સાથે અલ્પેશ ધીરાભાઈ સોલંકી નામનો શખ્સ ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હતો. જે બાબતેનો ઠપકો આપવા માટે દિલીપભાઈ અને મામા દિનેશભાઈ હમીરભાઇ ચૌહાણ ( ઉ.વ ૩૦ ) અને ભાગીદાર સહિતના સભ્યો અલ્પેશના ઘરે ગત રાત્રિના સમયે ગયા હતા. તેવામાં અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુઘી અને કાનજી ઉર્ફે કાનો ડાભીએ મામા ભાણિયાને ગાળો આપી ઝપાઝપી કરી અલ્પેશે મામા દિનેશભાઈને પકડી રાખેલ અને રાહુલે છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી મરણતોલ ઈજા કરી ત્યાંથી ચારેય ઈસમો નાસી છૂટયા હતા.અને મામા ભાણિયાને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં આજે વહેલી સવારે દિનેશભાઈ હમીરભાઇ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે દિલીપભાઈએ ચાર ઇસમ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચારેય હત્યારાને હસ્તગત કર્યાં – સિટી ડીવાયએસપી
મામા ભાણિયા પર પ્રાણઘાત હુમલો કરી નાસી છૂટેલા રાહુલ ધીરાભાઈ સોલંકી,અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે ઘુઘી સોલંકી,કાનજી ઉર્ફે કાનો ડાભીને કોમ્બિંગ કરી ઘોઘારોડ પોલીસે હસ્તગત કરી લીધા હોવાનું ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું.

