અમદાવાદમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણેજ વિશાલ ગુર્જર ગઈકાલે (પહેલી માર્ચ) રાત્રે નશાની હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે આવેલી સિટી કોર્નર હોટલ નજીક વિશાલ ગુર્જરે પોતાની વર્ના ગાડી બેફામ હંકારી બે વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક કારને નુકસાન થયું હતું, જ્યારે એક મોપેડચાલક નીચે પટકાતા વાહનને ક્ષતિ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

વિશાલ ગુર્જરે પોલીસ અધિકારી સાથે અભદ્ર વર્તન કર્યું
આ ઘટના મણિનગર પોલીસ સ્ટેશનની નજીક જ બની હોવાથી પીઆઈ વાય.જે. રાઠોડ તાત્કાલિક સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને વિશાલને લોકોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જોકે, સત્તાના નશા અને દારૂના કેફમાં વિશાલ ગુર્જરે પોલીસ અધિકારી સાથે પણ અભદ્ર વર્તન અને ગેરવર્તણૂક કરી હતી. આ મામલે જે-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી વિશાલ ગુર્જરની કાયદેસરની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

