સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક ગત સાંજે એક અકસ્માત સર્જાયો હતો. ખરીદી કરીને પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવાનની મોપેડ અચાનક સ્લિપ થઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતકની ઓળખ સંજય રાણા તરીકે થઈ છે, જેમની ઉંમર 37 વર્ષ હતી. તે સાણંદના લોખંડ બજાર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ 28મી જાન્યુઆરીના રોજ મોપેડ લઈને અમદાવાદ ખરીદી કરવા ગયા હતા. પરત ફરતી વખતે સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા મુજબ, સંજય પોતાની મોપેડ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. જેના કારણે વાહન પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા સ્લિપ થઈ ગઈ હતી. રોડ પર પટકાતા સંજયભાઇને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી.

આ ઘટના સ્થળે હાજર લોકોએ તુરંત 108 અને પરિવારને જાણ કરી હતી. તેમને પહેલા સાણંદ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના મોટા ભાઈ જયેશભાઈએ સાણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
