રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ અમદાવાદના વાસણા વિસ્તારમાં દરોડો પાડીને હાઈબ્રીડ ગાંજાના વેચાણના મોટા નેટવર્કને તોડી પાડ્યું છે. વાસણાની જી.બી.શાહ કોલેજ પાસે હાઈબ્રીડ ગાંજાનો જથ્થો વેચવા નીકળેલા દર્શીલ વાછાણી (રહે. અમદાવાદ) અને હરીકૃષ્ણ રૈયાણી (રહે. ગોંડલ) ને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ૧ કિલો ૧૮૬ ગ્રામ કિંમતી હાઈબ્રીડ ગાંજો, જેની બજાર કિંમત આશરે ₹૪૧.૫૦ લાખ થાય છે, તે સહિત કુલ ₹૪૨.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ચોંકાવનારી વિગત એ છે કે, પકડાયેલા બંને શખ્સો વાસણામાં પેઈંગ ગેસ્ટ (PG) તરીકે રહીને સ્થાનિક કોલેજ અને સોસાયટીના નાકે નશાના કાળા કારોબારને અંજામ આપતા હતા. SMCની પૂછપરછમાં આ નશીલો જથ્થો સપ્લાય કરનારા અન્ય ૩ મુખ્ય સૂત્રધારોના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. ગાંધીનગર SMC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

