GUJARAT : અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી

0
24
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) માણેક બાગમાં રહેતા આંખના ડૉક્ટર સુનિલ શાહના ઘરમાંથી દોઢ કરોડની ચોરી થઈ છે. ઉત્તરાયણ દરમિયાન પત્ની અને પુત્ર સાથે પાંચ દિવસ દુબઈ ટૂર ઉપર ગયા તે દરમિયાન ડૉક્ટરના માણેકબાગ સોસાયટીના બંગલાની બારીની ગ્રીલ તોડીને તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા. બે બેડરૂમના તિજોરી અને ગુપ્ત લોકર તોડીને તસ્કરો રોકડા રૂ. 45 લાખ ઉપરાંત 203 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવાઈ છે.

પરિવાર વેકેશન માણી રહ્યો હતો તે દરમિયાન તસ્કરોએ બંધ બંગલાને નિશાન બનાવ્યો

આંબાવાડીની માણેકબાગ સોસાયટીના બંગલા નંબર 105માં રહેતા આંખના ડૉક્ટર સુનિલભાઈ અમૃતલાલ શાહ તેમના પત્ની સાથે રહે છે અને પુત્ર પુના અભ્યાસ કરે છે. મકરસંક્રાતિની રજા હોવાથી આવેલા પુત્ર અને પત્ની અર્ચિતાબહેન સાથે ડૉ. સુનિલ દુબઈ ફરવા માટે ગયા હતા. તા. 11ના રોજ દુબઈ ગયા ત્યારે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ઘરના પહેલા માળે આવેલા બેડરૂમમાં તિજોરી અને બેડરૂમના વોર્ડરોબના ગુપ્ત લોકરમાં મુક્યા હતા. 

ચોરીની ઘટના બાદ તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી

તા. 16ના સવારે પરિવાર દુબઈ ફરીને પરત ફર્યો અને ઘરમાં પ્રવેશ્યો ત્યારે હોલના સોફા ઉપર એક બેગ ખુલ્લી હતી અને ડોક્યુમેન્ટ વેરણછેરણ હોવાનું જોયું હતું. કોઈ વ્યક્તિ ચોરી કરવા ઘુસ્યા હોવાનું જણાતાં સીસીટીવી જોવા માટે ગયાં તો ડીવીઆર પણ ચોરાઈ ગયું હતું અને સીસીટીવી કેમેરા પણ તોડી નંખાયા હોવાનું જણાયું હતું.

કુલ રૂ. 1.47 કરોડની માતબર ચોરી

તસ્કરો પાંચ ડાયમંડ સેટ, ડાયમંડ બ્રેસલેટ અને કડા, છ વિંટી, સોનાના 16 સેટ, ચારપાટલા, 10 બંગડી, 2 સોનાના ટીક્કા, 500 ગ્રામ સોનાના સિક્કા અને બિસ્કીટ, વિંટીઓ ઉપરાંત ચાંદીના દાગીના અને ડીવીઆર ચોરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેટેલાઈટ પોલીસે જણાવ્યું કે, કોઈ જાણભેદુ શખ્સની આ ચોરીમાં સંડોવણી હોવાની આશંકાના આધારે ઊંડાણભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

લાકડાની બારી અને લોખંડની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો

ડૉક્ટર અને પરિવાર પાંચ દિવસ દુબઈ જઈને પરત ફર્યા તે દરમિયાન મુખ્ય દરવાજાની બાજુમાં આવેલી લાકડાની બારીની સ્ટોપરો અને ગ્રીલ કોઈ સાધનોથી તોડી કે ખોલી નાંખીને તસ્કરો પ્રવેશ્યા હતા. તસ્કરો બે બેડરૂમમાં તિજોરી અને ગુપ્ત લોકરમાંથી રોકડા રૂપિયા 45 લાખ ઉપરાંત 203 તોલા વજનના સોનાના દાગીના, સિક્કા, સોનાના બિસ્કીટો મળી કુલ 1.47 કરોડની મતાની ચોરી કરી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here