GUJARAT : અમદાવાદ ખાતે દશેક કરોડના ખર્ચે તૈયાર થયેલ શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનો યોજાશે ભવ્યાતિભવ્ય લોકાર્પણ સમારોહ

0
36
meetarticle

પોરબંદર થી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોટી સંખ્યામાં લોકો જાય છે ત્યારે તેમના સ્વજનોને રહેવા સહિત ભોજનની સંપુર્ણ સુવિધા મળી રહે તે માટે આધુનિક અનેક સુવિધા થી સજ્જ અંદાજે ૧૦ કરોડના ખર્ચ તૈયાર થયેલ શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનું નિર્માણ થઈ ચુક્યું છે જેનું લોકાર્પણ આગામી રવિવારે કરવામાં આવશે.

લોકો માટે આશાનું કિરણ

માનવ જીવનમાં આરોગ્ય સૌથી મોટું ધન છે.જ્યારે ગંભીર બિમારી સમયે સારવાર માટે પોતાના વતનથી દૂર જવું પડે, ત્યારે દર્દી જેટલું દુઃખ ભોગવે છે, એટલું જ તેના પરિવારજનો પણ માનસિક, આર્થિક અને શારીરિક તણાવનો સામનો કરે છે. ખાસ કરીને અમદાવાદ જેવી મહાનગરમાં સારવાર માટે જતા ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓના સ્વજનો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવી અઘરી બની જાય છે. આવી સ્થિતિમાં સેવા, કરુણા અને સમર્પણના ભાવ સાથે નિર્મિત થયેલું શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવન જરૂરિયાતમંદો માટે આશાનું કિરણ બનીને ઊભર્યું છે.

આગામી રવિવારે ભવ્ય લોકાર્પણ

અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓના પરિવારજનોને રહેઠાણ, ભોજન અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે નિર્મિત આ આરોગ્ય ભવનનું ભવ્ય લોકાર્પણ આગામી રવિવાર, તા.૧૧ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યે યોજાશે. આ લોકાર્પણ સમારોહ માત્ર એક ઇમારતના ઉદ્ઘાટન પૂરતો નહીં પરંતુ માનવસેવાના મહાયજ્ઞના શુભારંભ સમાન રહેશે.

પોરબંદરથી અમદાવાદ સુધીનો દર્દીઓનો સંઘર્ષ

પોરબંદર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ગંભીર રોગોની સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવે છે. સારવાર લાંબા સમય સુધી ચાલતી હોવાના કારણે તેમના સ્વજનોને શહેરમાં રહેવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોંઘા ભાડા, ખોરાકની સમસ્યા અને અજાણ્યા શહેરમાં એકલતા આ બધા પ્રશ્નો દર્દીના દુઃખને વધુ ગાઢ બનાવે છે.આ વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ચાર દશકાની સેવાયાત્રાની પૃષ્ઠભૂમિ

આ સેવાકાર્યની શરૂઆત આજથી ચાર દશકા પુર્વે થઈ હતી. વર્ષ ૧૯૮૭માં મહેર સમાજના સેવાભાવી આગેવાનો સર્વ કાનાભાઈ મોઢવાડીયા, ડો.બાલુ ભાઈ ઓડેદરા, અરજન ભાઈ ઓડેદરા, રામભાઈ કેશવાલા, હરદાસભાઈ મોઢવાડીયા, ધીરૂભાઈ મોઢવાડીયા, જે.એલ.દાસા અને અરજનભાઈ કડેગિયાએ સિવિલ હોસ્પિટલ નજીક ત્રણ રૂમનું નાનું મકાન ખરીદી દર્દીઓના સ્વજનો માટે રહેવાની વ્યવસ્થા શરૂ કરી હતી.આ નાનકડા પ્રયાસે સમય જતાં વિશાળ સેવાયજ્ઞનું સ્વરૂપ ધારણ કર્યું,જેના લાભ આજે સુધી હજારો પરિવારોને મળ્યો છે.

વધતી જરૂરીયાત અને આધુનિક વિચાર
સમય જતાં દર્દીઓની સંખ્યા વધતી ગઈ અને સાથે રહેવાની સુવિધાની જરૂરિયાત પણ વધી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટે આધુનિક સુવિધાઓથી સજ્જ, વિશાળ અને સુવ્યવસ્થિત આરોગ્ય ભવન બનાવવાનો નિર્ણય લીધો. સેવા અને કરુણાના ભાવ સાથે, સાધન સંપન્ન દાતાઓથી લઈને શ્રમજીવી વર્ગના લોકો સુધી સૌએ પોતાની ક્ષમતા મુજબ ફાળો આપી આ સ્વપ્નને સાકાર કર્યું.

ગામડે ગામડે મહેનત કરીને એકત્ર થયેલું ફંડ

આ આરોગ્ય ભવનના નિર્માણની ખાસિયત એ છે કે તેમાં માત્ર મોટા દાતાઓ જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોના સામાન્ય લોકોએ પણ દિલથી ફાળો આપ્યો છે. સીમર, ગોરાણા, આંતરોલી, ધંધુસર, કલ્યાણપુર તાલુકાના રાજપરા સહિત અનેક ગામોમાંથી ઘરેઘરેથી મળેલા નાનાં-મોટાં ફાળાઓએ આ ભવનના પાયાને મજબૂત બનાવ્યો છે. આ સહયોગ મહેર સમાજની એકતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.

મુખ્ય દાતા : સેવા અને સમર્પણની પ્રતિમૂર્તિ

આ ભવનના મુખ્ય દાતા તરીકે કિંદરખેડાના વતની અને હાલ અમેરિકા નિવાસી શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયાનો ફાળો ઐતિહાસિક રહ્યો છે.ગુજરાત સરકારના સિંચાઈ વિભાગમાં અધિક્ષક ઈજનેર તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા શ્રી કાનાભાઈ મોઢવાડીયાએ (હસ્તાક્ષર દ્વારા પ્રતિનિધિત્વ: અજયભાઈ કાનાભાઈ મોઢવાડીયા-આર્કિટેક્ટ, લંડન) રૂ. ૧,૧૧,૧૧,૧૧૧ (એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર)નું માતબર દાન આપ્યું છે. તેમના આ નિઃસ્વાર્થ સેવાભાવને માન આપતાં આ ભવનને ‘શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવન’ નામ આપવામાં આવ્યું છે.

આરોગ્ય ભવનનું સ્થાન

આ આધુનિક આરોગ્ય ભવન અમદાવાદ સિવિલ હોસ્પિટલથી માત્ર ૧૦ મિનિટના ચાલવાના અંતરે, જૂના એમ.એલ.એ. ક્વાર્ટરની પાછળ, પાલીના કુવાની બાજુમાં, માળીનો કુવો–અસારવા વિસ્તારમાં ૮૦૦ વારના વિશાળ પ્લોટ પર નિર્મિત છે. સ્થાનની સુવિધા કારણે દર્દીના સ્વજનો માટે હોસ્પિટલ આવન-જાવન સરળ બનશે.

ભવનની આધુનિક સુવિધાઓ

આ આરોગ્ય ભવન સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં કુલ ૨૦ રૂમ છે, જેમાં દરેક રૂમ બાલકની અને એટેચ બાથરૂમ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે સમૂહમાં રહેવા માટે ૨ ડોર્મેટ્રીની વ્યવસ્થા છે. આશરે ૨૦ વાહનો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે.

ટેકનોલોજી અને સુરક્ષા વ્યવસ્થા

ભવનમાં વાઈ-ફાઈ, દરેક રૂમમાં ગરમ પાણી, શુદ્ધ પીવાનું પાણી અને લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. સુરક્ષાની દ્રષ્ટિએ ફાયર એલાર્મ, સ્મોક ડિટેક્ટર અને સોલાર સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે ઓફિસ રિસેપ્શન, લિવિંગ રૂમ, રસોડું, વેઈટિંગ એરિયા, કેરટેકર રૂમ અને ઉપર શેડ સાથે પેન્ટ્રી જેવી સગવડો પણ છે.

લોકાર્પણ સમારોહનું આયોજન

આ ભવનનું લોકાર્પણ સમારોહ અમદાવાદના શાહીબાગ એરપોર્ટ રોડ પર ગાંધી સરદાર સ્મૃતિ ચોક ખાતે આવેલ સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ખાતે યોજાશે. સમારોહના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારના વન, પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને સાયન્સ-ટેકનોલોજીના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહેશે.
વિશિષ્ટ મહેમાનોની હાજરી
લોકાર્પણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અતિથિ વિશેષ તરીકે રાણાવાવ- કુતિયાણા ના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણિયા,પુર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, લેટર યુકે મહેર સમાજના પ્રમુખ સંજયભાઈ કારાવદરા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.

ટ્રસ્ટનો સંદેશ

મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ કાનાભાઈ મોઢવાડીયા અને ઉપપ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે આ આરોગ્ય ભવન માત્ર મહેર સમાજ માટે નહીં પરંતુ તમામ જરૂરીયાતમંદ દર્દીઓના સ્વજનો માટે માનવતાની સેવા કેન્દ્ર બનશે.

સમાજને આમંત્રણ

આ મંગલ અવસરે ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ આગેવાનો, દાતાઓ અને સેવાભાવી લોકોને બહોળી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમ સંબંધિત વધુ માહિતી માટે
ભીમાભાઈ મોઢવાડીયા ૯૮૨૫૫૯૧૯૬૪,
જયમલભાઈ મોઢવાડીયા ૯૯૨૫૧૯૨૧૮૩,
અથવા અરજનભાઈ કડેગિયા ૯૪૨૬૧૮૦૦૮૬ પર સંપર્ક કરવા કરવા જણાવ્યું છે.
કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવન માનવતા, સેવા અને સમર્પણનું જીવંત પ્રતીક બનશે. આ ભવન માત્ર એક ઈંટ-પથ્થરની રચના નહીં, પરંતુ દુઃખી માનવો માટે આશ્રય, સહારો અને સંવેદનાનું કેન્દ્ર બની રહેશે,એવી વિશ્વાસભરી આશા સાથે આ લોકાર્પણ સમારોહ સમગ્ર સમાજ માટે ગૌરવનો વિષય બનશે.
રિપોટર:-વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here