અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની ચાલી રહેલી કામગીરી હવે જનતા માટે હાલાકી અને બગાડનું કારણ બની છે. બ્રિજ તોડતી વખતે મુખ્ય પીવાની લાઈનમાં પડેલા ભંગાણને કારણે છેલ્લા ત્રણ દિવસથી લાખો લિટર શુદ્ધ પાણીના ફુવારા ઊડી રહ્યા છે. તંત્રની ઘોર નિદ્રા અને સંકલનના અભાવે આ કિંમતી પાણી જાહેર માર્ગો પર વહીને અંતે ગટરમાં વેડફાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા
મળતી માહિતી અનુસાર, હાટકેશ્વર સર્કલથી સીટીએમ તરફ જતા માર્ગ પર ખોખરા સ્મશાનગૃહના ગેટની બિલકુલ સામે પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે. બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન થયેલા આ ભંગાણને કારણે ચારથી પાંચ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડી રહ્યા છે. આ રેલો સર્કલથી સીટીએમ રોડ સુધી લગભગ 500 મીટર લાંબો વ્હેણ બનીને વહી રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળતા જાણે કેનાલમાંથી પાણી છોડ્યું હોય અથવા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વાહનચાલકો અને રાહદારીઓને પણ આ જળબંબાકાર જેવી સ્થિતિમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

