ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આયુષ્યમાન કાર્ડ આશિર્વાદરૂપ છે. પરંતુ અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક બંધ થઇ જતાં અરજદારોને અર્બન હેલ્થ સેન્ટરના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ યોજના અંગે ગરીબ અભણ અરજદારોને પૂરતી માહિતી ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

અમરેલીનાઅર્બન હેલ્થ સેન્ટરો પરથી ઓપરેટર કે કર્મચારી દ્વારા અરજદારોને પૂરતી માહિતી પણ અપાતી નથી. માહિતી મેળવીને કોઇ અરજદાર અર્બન સેન્ટર પર જાય તો બધા દસ્તાવેજી પૂરાવા તપાસીને ઓનલાઇન અપડેટમાં એન્ટ્રી કરી અરજદારોને કહેવામાં આવે છે કે, ૨૦ દિવસમાં થઇ જાય તો ઠીક નહીં તો સામે દિવાલ પર ગાંધીનગરનો નંબર આપેલો છે ત્યાં ફોન કરજો, અમને પૂછવા આવતા નહીં…. આવા ઉડાઉ જવાબો મળે છે.આ યોજનામાં 70 વર્ષથી ઉપરના ઉંમરલાયક વ્યક્તિઓ, અશકત, બિમાર વ્યક્તિઓના ઘરે જઇને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા કે અપડેટ કરવાની કામગીરી અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીએ કરવાની હોય છે. એ તો નથી કરતાં પરંતુ જે લોકો કાર્ડ કઢાવવા જાય છે તેની સાથે પણ મનફાવે તેવાં જવાબો આપતા હોવાથી અભણ લોકોની મુશ્કેલી વધી છે.
જાણવા મળેલી વિગત અનુસાર દર ત્રણ વર્ષે નવો આવકનો દાખલો તેમજ આધાર પૂરાવા અર્બન હેલ્થ સેન્ટરમાં રજૂ કર્યા બાદ ઓનલાઇન સબમિટ કરવામાં આવ્યા બાદ ગાંધીનગરથી અપ્રૂવલ મળ્યા બાદ ફરીવાર નવું આયુષ્યમાન કાર્ડ ઇસ્યૂ થાય છે. આથી અમરેલીમાં ઘણા લોકોના કાર્ડ બંધ થઇ જતાં અર્બન હેલ્થ સેન્ટરો પર લાંબી – લાંબી કતારો લાગી છે.

