કિસાન જગનો આધાર છે પરંતુ તેનું આધાર જગત નીંયતા છે તેથી જ્યારે જ્યારે તે રુઠે છે ત્યારે ખેડૂત લાચાર અને દયનીય સ્થિતિનો અનુભવ સતત કરી રહ્યો છે. પરંતુ જગતમાં કોઈ લોકો એવા પણ છે કે આવા આપત્તિકાળમાં તેમને ખભે હાથ મૂકીને ખોંખારો ખાઈને કહે કે ‘અમે બેઠા છીએ’. તાજેતરમાં ઓક્ટોબરો મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી જગતનો તાત દુઃખી દુઃખી થયો છે. સરકારે તેમની પાસેના વિપુલ સાધનોથી મદદરૂપ બનવાનો પ્રયત્ન તો કર્યો પણ કેટલાક દાતાઓ એવા પણ નીકળ્યા કે જેમણે પોતાનો હાથ લંબાવીને ખેડૂતોને ખુબ મોટો સધિયારો આપ્યો છે.

જુનાગઢ જિલ્લાના શ્રી દિનેશભાઈ કુંભાણી કે જે ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.પોતાનો વતનનું ગામ બાદલપુર અને આજુબાજુના ગામો પ્રભાતપુર, સેમરાણા, શેખડાવદર મળીને કુલ ચાર ગામના ખેડૂતોને આ આપત્તિમાંથી બહાર કાઢવા માટે હેક્ટર દીઠ ₹11,000 ની સહાય કરીને 2.25 કરોડથી પણ વધારે રકમને સખાવત કરી છે. જ્ઞાતિ, જાતિ અને ધર્મને કોરાણે મૂકીને 1200 ખેડૂતોને અપાયેલી આ મદદ કૃષિ જગતના ઇતિહાસમાં અમરપાને લખાવી જોઈએ.એવા જ એક અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરાના વતની શ્રી બાબુભાઈ ચોડવડિયા કે જેમણે પોતાના ગામના લાંબા સમયથી મંડળીના કરજદાર તરીકે મુદતવિતી ગયેલા ખેડૂતોને મદદ કરીને બધી જ રકમ ભરપાઈ કરી આપી છે.આવી રકમનો આંકડો 95 લાખથી વધારે થાય છે.ખેડૂતોને કરજ મુક્ત કરવાનું માનવતા પૂર્ણ કામ શ્રી બાબુભાઈએ કર્યું છે.
આ બંને મહાનુભાવોને જેટલા પ્રમાણમાં કંકુ ચોખાથી વધાવીએ એટલું ઓછું ગણાય. પણ અમરેલીનો કિસાન પરિવાર બધાં જ કિસાનોની લાગણી સમજીને આજે તારીખ 18 -11 -25 ને મંગળવારે સવારે 9:00 કલાકે લીલીયા રોડ, દાદા ભગવાનના મંદિર ખાતે એક સન્માન કાર્યક્રમ યોજશે.કિસાન પરિવાર આ બંને મહાનુભાવોનું ઋણ અદા કરવાનો કાર્યક્રમ કરી રહ્યું છે. સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ રીતે હાજર રહેશે.
આ કાર્યક્રમને શ્રી પ્રફુલભાઈ સેંજલીયા શ્રી મનસુખભાઈ કિયાડા અને મનસુખભાઈ માંગરોળીયા વગેરે જેવા આગેવાનો આખરી ઓપ આપી રહ્યાં છે. સમગ્ર કાર્યક્રમનું સંકલ્પમા શ્રી વિઠ્ઠલભાઈ બાંભરોલીયા પણ જોડાયેલાં છે.
REPOTER : વેળાવદર (તખુભાઈ સાંડસુર)
