ગુજરાત ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ચાલું ખોદકામ દરમિયાન વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગે ૨૬ હજરા લીટર પાણીનો મારો બોલાવી તેમજ ગેસ કમ્પની દ્વારા ગેસ સપ્લાય બંધ કરવાના પગલાંથી મોટી દુર્ઘટના ટળી હતી.

જૂના માર્કેટિંગ યાર્ડમાંથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં અચાનક લીકેજ થયું હતું, જેના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા, નજીકમાં આવેલી માર્કેટિંગ યાર્ડની દુકાનોના વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો. વેપારીઓએ તાત્કાલિક દુકાનો બંધ કરી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.
આગની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ગુજરાત ગેસ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપ લાઇનનો સપ્લાય બંધ કરી દીધી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાનું શરૂ કર્યું હતું. આશરે અડધી કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો અને મોટી જાનહાનિ થતા અટકાવી હતી.

