અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા માલવિયા પીપરિયા ગામે ચોરોએ ગેલ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશી લાખોની કિંમતના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.

ગર્ભગૃહમાં ઘૂસી 5 તસ્કરોએ કરી ચોરી
સીસીટીવી દ્રશ્યોમાં જોવા મળે છે કે, કુલ પાંચ જેટલા ચોર મોઢે રૂમાલ બાંધીને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. આ ચોર અત્યંત નિર્ભયતાથી માતાજીના શણગાર અને આભૂષણોની ચોરી કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે આશરે 13 લાખ 86 હજાર રૂપિયાની કિંમતના આભૂષણોની ચોરી કરવામાં આવી છે.આ ઘટનાને લઈને લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજ કબજે કરી તસ્કરોની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરોની હિલચાલ અને તેમની શારીરિક બનાવટ પરથી સ્થાનિક ગેંગ હોવાની આશંકા સેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, પવિત્ર ધર્મસ્થાનમાં થયેલી આ મોટી ચોરીને પગલે માલવિયા પીપરીયા ગામ સહિત સમગ્ર લાઠી પંથકમાં ભક્તો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

