અમરેલી માર્કેટ યાર્ડ ખાતે હાલમાં ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો માટેની મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ સામે આવ્યો છે. એક તરફ અધિકારીઓ માટે છાંયો અને બેસવાની યોગ્ય વ્યવસ્થા છે, જ્યારે બીજી તરફ મગફળીનું વજન થાય છે ત્યાં ખેડૂતોને કલાકો સુધી તડકામાં ઊભા રહેવું પડી રહ્યું છે.
અમરેલી માર્કેટ યાર્ડમાં સોયાબીન અને મગફળીની ખરીદી પ્રક્રિયા એક જ કમ્પ્યુટર પરથી કરવામાં આવે છે, જેના કારણે બિલ બનાવવામાં મોડું થાય છે. આ વિલંબના કારણે ઘણા ખેડૂતોને બીજા દિવસે પણ ધક્કા ખાવા પડે છે. જ્યાં મગફળી જોખાય છે અને બારદાન ભરવામાં આવે છે, તે સ્થળે પીવાનું શુદ્ધ પાણી, બાથરૂમ અને છાંયાની કોઈ વ્યવસ્થા નથી. તડકામાં લાંબો સમય ઊભા રહેવાથી ખેડૂતો તકલીફ સહન કરી રહ્યા છે.

ખેડૂતોએ ખરીદી પ્રક્રિયા પર ગંભીર આક્ષેપ કર્યો છે કે નિયત કરેલા વજન કરતાં વધારે વજન લેવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમને સીધું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા 35 કિલો મગફળીનું સત્તાવાર વજન 767 ગ્રામ સાથે નક્કી કરવામાં આવ્યું છે. સ્થળ પર ખેડૂતો પાસેથી 35 કિલો સામે 900 ગ્રામ સુધીનું વજન લેવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વધારે વજન લેવાતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, માર્કેટ યાર્ડ તંત્રે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. ટેકાના ભાવે ખરીદી કરતા અધિકારીએ જણાવ્યું કે, “આગામી બે દિવસમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવશે. સરકાર પાસે બીજી IDની મંજૂરી માટે માંગણી કરી છે, પરમિશન મળતાં જ બીજું કોમ્પ્યુટર પણ તરત શરૂ કરી દેવાશે.”
ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં તાત્કાલિક ધોરણે યોગ્ય સુવિધાઓ, ખાસ કરીને બે કોમ્પ્યુટર, શુદ્ધ પાણી, બાથરૂમ, છાંયો ઉપલબ્ધ કરાવવા તેમજ વજન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે. ખેડૂતોને રાહત આપવા માટે તંત્રે વહેલી તકે પગલાં લેવા જરૂરી છે.

