આણંદના પાધરિયા વિસ્તારની યુવતીને વડોદરાના શખ્સે લોન અપાવવાના બહાને રૂપિયા ૮૭,૦૦૦ પડાવી લઈ મેડિકલ કરાવવાના બહાને યુવતીના કપડા ઉતરાવી એકીટશે જોઈ રહી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગાલ ઉપર સ્પર્શ કર્યા બાદ લોન નહીં અપાવી વિશ્વાસઘાત કર્યો હતો. અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આણંદના પાધરીયા વિસ્તારમાં પોતાના ફિયાન્સ સાથે રહેતી યુવતીને લોનની જરૂરિયાત હોવાથી બોરસદના રજનીકાંત અરવિંદ વ્યાસનો સંપર્ક કરી નડિયાદની ડભાણ ચોકડી નજીક આવેલી હોટલમાં માર્ચ-૨૦૨૪માં મીટિંગ કરી હતી. જ્યાં લોન માટે વાતચીત થતા રજનીકાંતભાઈએ વડોદરાના ભરતભાઈ નરસિંહભાઈ પરમાર મારફતે લોન અપાવવા કહ્યું હતું.
રૂા. ૨૫ લાખની લોનની જરૂરિયાત હોવાનું કહેતા રજનીકાંતભાઈએ યુવતી તથા તેના ફિયાન્સના ડોક્યુમેન્ટ લીધા હતા. લોન પેટે રૂા. ૮૭,૧૫૦નો ખર્ચ થશે તેમ કહી ભરતભાઈએ રકમ રજનીકાંતભાઈના ખાતામાં જમા કરાવવા કહેતા અલગ અલગ તારીખે રૂપિયા ૭૦ હજાર જમા કરાવ્યા હતા. બાદમાં બેંક ખાતામાં લોનના પૈસા જમા થશે તેમ કહ્યું હોવા છતાં પૈસા જમા ના થતા ભરતભાઈ તથા રજનીકાંતભાઈને પૂછતા ભરતભાઈએ મેડિકલ કરાવવું પડશે તો જ લોન મંજુર થશે તેમ કહ્યું હતું.
તા. ૬ એપ્રિલ ૨૦૨૪ના રોજ રજનીકાંત તથા ભરતભાઈ મેડિકલ કરવા માટે પાધરીયા આવ્યા હતા. જ્યાં ભરતભાઈ યુવતીને અલગ રૂમમાં લઈ જઈ મેડિકલ તપાસણી માટે તેણીના કપડા ઉતરાવી નગ્ન અવસ્થામાં તેણીને એકીટશે જોઈ રહી યુવતીની મરજી વિરુદ્ધ ગાલે સ્પર્શ કરી મેડિકલ બાબતે કોઈને વાતચીત ન કરવા કહ્યું હતું. ત્યારબાદ યુવતીના ફિયાન્સનું પણ મેડિકલ કરી બાકીનું પેમેન્ટ સાંજ સુધી પૂરું કરશો એટલે લોન મંજૂર થઈ જશે તેમ જણાવ્યું હતું.
રજનીકાંતભાઈના એકાઉન્ટમાં બાકીના મળી કુલ રૂપિયા ૮૭,૧૫૦ આપ્યા હતા. છતાં લોનની રકમ ખાતામાં જમા થઈ ન હતી. અવારનવાર ફોન કરવા છતાં લોન ન મળતા આખરે યુવતીએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભરતભાઈ નરસિંહભાઈ પરમાર રહે. વડોદરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

