ચરોતરમાં સોમવારે હર્ષોલ્લાસ સાથે પ્રકાશનું પર્વ દિવાળી મનાવવામાં આવ્યું હતું. મોડી રાત સુધી આણંદ અને ખેડા જિલ્લાના લોકોએ ફટાકડા ફોડી આનંદ મનાવ્યો હતો. તહેવાર નિમિત્તે મંદિરો, સરકારી કચેરીઓ તેમજ કોમ્પ્લેક્સોે રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠતાં આહ્લાદક માહોલ જોવા મળ્યો હતો. મંગળવારે પડતર દિવસ હોવાથી બે દિવસ સુધી લોકો પોતાના આંગણે રંગોળી અને આતસબાજી કરીને મોજ માણશે. જયારે બુધવારે નવા વર્ષના વધામણાં કરી દરેક પોતાના સગાસબંધીઓ અને મિત્રવતૃળને મળી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી પ્રકાશ પર્વની ઉત્સાહપુર્વક ઉજવણી કરશે.ખેડા અને આણંદ જિલ્લામા વાઘબારસથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે. સરકારી અને ખાનગીર કર્મચારીઓને દિવાળી બોનસ મળતાં બંને જિલ્લાના બજારોમાં પર્વની પુર્વ સંધ્યાએ ખરીદી માટે છેલ્લી ઘડીએ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો પણ ફટાકડા, કપડાં અને મીઠાઈ સહિતની વસ્તુઓ ખરીદવા શહેરના બજારોમાં ઉમટતાં સવારથી જ બજાર અને દુકાનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લા દિવસોમાં વેપાર ખુલતાં વેપારીઓમાં પણ જોમ જોવા મળ્યું હતું.

સોમવારે દિવાળીની રાત્રિ દરમિયાન આકાશ અવનવા ફટાકડાના ગુંજારવથી ગુંજી ઉઠયું હતું. પરિવારના સભ્યોએ હાથમાં મેરમેરાયાં લઈ ઘરમાં ફેરવ્યા બાદ સોસાયટી કે મહોલ્લાની બહાર ખુલ્લી જગ્યામાં ઉભાં કરી દીધાં હતાં અને મોડી રાત સુધી અવનવા ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો. આણંદ અને ખેડા જિલ્લામાં કેટલાક પરિવારો પોતાના વતનમાં દિવાળીનો તહેવાર ઉજવવા માટે જતાં સવારથી જ એસટી બસો અને ખાનગી વાહનોમાં મુસાફરોની ભીડ રહી હતી.દિવાળીના બીજા દિવસે મંગળવારે પડતર હોઈ સતત ત્રીજા પણ વર્ષે લોકોને બે દિવસ ફટાકડા ફોડવાનો લ્હાવો મળશે.ચરોતરમાં મોટાભાગના પૌરાણીક અને ગ્રામિણ વિસ્તારમાં આવેલા મંદિરો ઉપર રંગબેરંગી રોશની કરાઈ હતી.
આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોમાં દિવાળીના દિવસે મોડી સાંજે પોતાના ખેતરોના સેઢા ઉપર જઈને દીવા પ્રજ્વલિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. જે મુજબ ખેડૂતો પરિવાર સાથે ખેતરોમાં હાજર રહ્યા હતા.
સોમવારે બાળકો સહિત તમામ પરિવારજનોએ પોતાના ખેતરોના પ્રથમ ધરતી માતાનું પૂજન કરી શેઢે દિપમાલા કરી હતી.
કૃષિ પેદાશમાં ઉપયોગી ટ્રેક્ટર- ટ્રોલી, પાવડા સહિતના સાધનોનું પૂજન શાસ્ત્રોક્ત વિધિથી ખેડૂતોએ કર્યું હતું. જ્યારે વેપારીઓએ નવા વર્ષની તૈયારીઓ માટે શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન કર્યું હતું.
દિવાળીની ઉજવણી કરવા શ્રમિકો વતન ભણી
આણંદ અને ખેડા જિલ્લામાં બિલ્ડીંગ કન્સટ્રક્શન, એપીએમસી અને ફેકટરીઓમાં મોટાભાગે દાહોદ, ગોધરા, પંચમહાલ અને રાજસ્થાન તરફના શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરીને રોજીરોટી મેળવે છે.જેથી દિવાળીના તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે તેઓ હાલમાં પોતાના વતન તરફ રવાના થયા છે.જેના લીધે ખાનગી વાહનધારકોને તડાકો પડી ગયો છે.
મીઠાઈના ભાવ વધારાથી દિવાળી ફીક્કી રહે તેવા સંજોગ
દિવાળીના તહેવારમાં એક બીજાને મીઠાઈ ખવડાવી નવા વર્ષની શુભેચ્છા આપવાનું આગવું મહત્વ હોય છે.જોકે આ વર્ષે ફરસાણની દુકાનોમાં કાજુ કતરી, બરફી, અંજીર રોલ, મોહનથાળ જેવી મીઠાઈઓના ભાવમાં એકાએક સરેરાશ૧૫ ટકા જેટલો ભાવવધારો ઝીંકાયો હોવાથી દિવાળીનો તહેવાર ફીક્કો પડે તેવા સંજોગો છે.
ઘરે ઘરે દિવડા અને રંગબેરંગી રોશનીથી ઈમારતો ઝળહળી
પ્રકાશ પર્વ દિવાળીના તહેવારની ઉજવણીના ભાગરૂપે ચરોતરમાં લોકો પોતાના ઘરે અવનવા દિવડા પ્રગટાવી રોશની કરતા હોય છે.જયારે ઘર, ઓફિસ, પેઢી અને મંદિરોમાં અને સરકારી ઈમારતો, ઓવરબ્રિજ સહિતના જાહેર સ્થળોએ રંગબેરંગી રોશની કરી હોવાથી બિલ્ડિંગ્સ ઝળહળી ઉઠી હતી.

