દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજકારણના દિગ્ગજ નેતા અને બીટીપી (BTP) ના સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડીને રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે. ભાજપ સાથેનો છેડો ફાડ્યા બાદ કોંગ્રેસમાં સામેલ થયેલા મહેશ વસાવાએ પોતાની ચુપકીદી તોડતા વિસ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે, તેઓ અગાઉ દેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને હરાવવાના મનસૂબા સાથે ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે આદિવાસીઓના વ્યાપક હિત માટે તેમણે કોંગ્રેસની વિચારધારા અપનાવી છે.

પિતા છોટુ વસાવા દ્વારા કરવામાં આવેલા કટાક્ષના જવાબમાં મહેશ વસાવાએ અત્યંત નમ્રતા સાથે જણાવ્યું હતું કે, “છોટુ વસાવા મારા પિતા અને ગુરુ છે, જો હું ખોટા રસ્તે હોઉં તો તેઓ મને બે તમાચા પણ મારી શકે છે.” ઉલ્લેખનીય છે કે, મહેશ વસાવાની એન્ટ્રીથી આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે મહેશ વસાવાના આ નિર્ણયથી નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસને નવું બળ મળશે, જ્યારે ભાજપ અને બીટીપી માટે આ એક મોટો રાજકીય આંચકો સાબિત થઈ શકે છે.

