GUJARAT : આમોદમાં ગટરનો ‘આતંક’: ભાજપ શાસિત નગરપાલિકાની બેદરકારીથી રોષ, સ્થાનિકોએ ‘હલ્લાબોલ’ની ચીમકી ઉચ્ચારી

0
43
meetarticle

આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક (પુરસા રોડ અને નવી નગરી વિસ્તાર)માં ઉભરાતી અને દુર્ગંધ મારતી ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભાજપ શાસિત નગરપાલિકા અને તેના જવાબદાર અધિકારીઓની બેદરકારી ચરમસીમાએ પહોંચી છે.


વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા, નગરપાલિકા સામે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ છે. સ્વચ્છતા માટે કેન્દ્ર-રાજ્યની કરોડોની ગ્રાન્ટ છતાં નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે.
ઉભરાતી ગટરોને કારણે વિસ્તારમાં રોગચાળાનો ભય ફેલાયો છે. સ્થાનિક મહિલાઓના આક્ષેપ મુજબ, અનેક બાળકો અને વૃદ્ધો મેલેરિયા અને ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે.
સ્થાનિકોની પીડા વ્યક્ત કરતા મહિલાઓએ જણાવ્યું કે, વિસ્તારમાં લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો હોવા છતાં ગંદકીની દુર્ગંધને કારણે મહેમાનોને ક્યાં બેસાડવા તે મોટો પ્રશ્ન બન્યો છે.
પરિસ્થિતિ વણસતા સ્થાનિકોએ નગરપાલિકા વિરુદ્ધ ‘ભાજપ હાય હાય’, ‘નગરપાલિકા પ્રમુખ હાય હાય’ અને ‘ચીફ ઓફિસર હાય હાય’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
સ્થાનિક સદસ્યો પણ પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારીથી પરેશાન હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ તંત્રને કડક ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ઉભરાતી ગટરની ગંદકી નગરપાલિકા કચેરીએ લઈ જઈને હલ્લાબોલ કરશે. નગરજનો મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ પાસે તાત્કાલિક પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here