આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રવિવારની રજાના દિવસે સત્તાના દુરુપયોગની ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ હિસાબી શાખામાં અધિકારીની ખુરશી પર બેસી બિનઅધિકૃત રીતે કામગીરી કરતા વીડિયોમાં કેદ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. જોકે, આ પ્રકરણમાં સાચા દોષિતો સામે પગલાં ભરવાને બદલે સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજમુક્ત કરી ‘બલિનો બકરો’ બનાવવામાં આવતા સફાઈ કામદાર સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ ઘટના અંગે ઇન્ચાર્જ ટી.ડી.ઓ.એ જણાવ્યું હતું કે, કચેરીના વડાની મંજૂરી વિના હિસાબી શાખા ખોલવી એ ગંભીર બાબત છે. પદાધિકારીના પતિ દ્વારા કરવામાં આવેલા સત્તાના દુરુપયોગ બદલ જિલ્લા વિકાસ અધિકારીને (DDO) ગેરલાયકાત સંદર્ભે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જ્યારે હિસાબી અધિકારીને પણ નોટિસ ફટકારાઈ છે. બીજી તરફ, અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે પ્રભાવશાળી લોકોને બચાવવા ગરીબ કર્મચારી પર ગાજ પાડી અન્યાય કરવામાં આવ્યો છે. જો સફાઈ કર્મીને તાત્કાલિક ફરજ પર પરત લેવામાં નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

